ચટણી મિસળ
 • 371 Views

ચટણી મિસળ

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ મોટા સફેદ ચોળા
 • 200 ગ્રામ મગ
 • 200 ગ્રામ મઠ
 • 200 ગ્રામ લીલા રંગના સૂકા વટાણા
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 2 લીલાં મરચાં, કટકો આદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • મીઠું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ
 • આબોળીયાની ચટણી, લીલી ચટણી, દહીંનો મસ્કો.
 • ગળી ચટણી – 50 ગ્રામ આબોળીયાને ધોઈ, 2 કપ પાણીમાં બાફવાં. બરાબર બફાઈ જાય એટલે સૂપના સંચાથી ગાળી લેવાં. તેમાં મીઠું, શેકેલા જીરુંનો ભૂકો, લાલ મરચું અને ગોળ નાંખી, ગરમ મૂકવું. જાડી રસાદાર ચટણી થાય એટલે ઉતારી લેવી.
 • લીલી ચટણી – 25 ગ્રામ લીલું લસણ, 25 ગ્રામ સિંગદાણા, 1 નાની ઝૂડી લીલા દાણા, 5 લીલાં મરચાં, કટકો આદું, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી લીલી ચટણી બનાવવી.
 • દહીંનો મસ્કો – 500 ગ્રામ દહીંને કપડામાં બાંધી લટકાવી રાખવું. પાણી નીતરી જાય એટલે કપડામાંથી કાઢી, વલોવી, તેમાં મીઠું, ખાંડ અને શેકેલા જીરુંનો ભૂકો નાંખવો.
 • વાટવાનો મસાસો – 100 ગ્રામ સિંગદાણા, 100 ગ્રામ નાળિયેરનું ખમણ, 3 કાશ્મીરી મરચાં, 2 લીલાં મરચાં, કટકો આદું, 1 ચમચી ખસખસ અને મીઠું નાંખી, વાટી મસાલો તૈયાર કરવો.
 • ઉપર નાંખવા માટે –
 • 250 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 10 તળેલા પાપડનો ભૂકો
 • 3 ડુંગળીનું બારીક કચુંર
 • 3 બાફેલા બટાકાની કટકી

Method - રીત

ચોળા, મગ અને મઠને રાત્રે પાણીમાં પલાળી, સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું. 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી કપડામાં કાઢી, પાણીથી ધોઈ, વરાળથી બાફી લેવા. વટાણાને 7 કલાક પાણીમાં પલાળી વરાળથી આખા રહે તેમ બાફવા. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ-હિંગનો વઘાર કરી, વાટેલો મસાલો સાંતળવો. સુગંધ આવે એટલે તેમાં 1 કપ પાણી, મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, વાટેલાં આદું-મરચાં, તલ, ખાંડ અને બાફેલા બધાં કઠોળ નાંખવા. ઉકળે અને રસાદાર થાય એટલે ઉતારી, લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા દાણા નાંખવા.

એક મોટા બાઉલમાં મિસળ મૂકી, તેના ઉપર 1 ચમચી ગળી ચટણી નાંખી, બટાકાની કટકી અને ડુંગળીનું કચુંબર નાંખવું. પછી ચણાની સેવ ભભરાવવી. તેના ઉપર 1 ચમચી લીલી ચટણી નાંખી, તળેલા પાપડનો ભૂકો ભભરાવવો. પછી 1 ચમચી દહીંનો મસ્કો નાંખી પીરસવું.