કોકોનટ બીડાં ઢોકળી
 • 314 Views

કોકોનટ બીડાં ઢોકળી

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ તુવેરની દાળ
 • 100 ગ્રામ ચણાની દાળ
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 200 ગ્રામ કોપરું
 • 25 ગ્રામ સિંગદાણા
 • 500 ગ્રામ ઘઉંનો લોટ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 5 લીલાં મરચાં, 2 કટકા આદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 1 ટેબલસ્પૂન સામ્બારનો મસાલો
 • અથવા ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 નાનું લીંબુ
 • મીઠું, હળદર, મરચું, ગોળ, ખાંડ, આબલી, રાઈ,
 • હિંગ, તેલ, મીઠા લીમડાનાં પાન – પ્રમાણસર
 • મસાલો – સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકવું. ઠંડું પડે એટલે હાથથી મસળી, ઝીણું કરવું. 3 મરચાંના કટકા કરી, થોડા તેલમાં સાધારણ સાંતળવા, ખસખસ અને તલને શેકવાં. પછી બધું ભેગું કરી તેમાં મીઠું, ધાણાજીરું, થોડી ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, મસાલો તૈયાર કરવો.

Method - રીત

ઘઉંના લોટમાં મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, કણક બાંધવી. તેની પૂરી વણી, બે ભાગ કરી, તેમાં મસાલો ભરી સમોસાં બનાવી, તેલમાં તળી લેવાં.

તુવેરની દાળ અને ચણાની દાળમાં પાણી નાંખી, પ્રેશર કૂકરમાં બાફી લેવી. તુવેરના લીલવા અને સિંગદાણાને જુદા બાફવા. દાળને સંચો ફેરવી, એકરસ કરી, તેમાં મીઠું, હળદર, વાટેલાં આદું-મરચાં, સંભારનો મસાલો, ગોળ-આબલી બધુ નાંખી, દાળ ઊકળવા મૂકવી. પછી તેમાં તુવેરના લીલવા અને સિંગદાણાનાં છોડા કાઢીને નાંખવા. તેલમાં રાઈ, હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરવો. દાળ બરાબર ઉકળે એટલે તેમાં તળેલાં બીડાં મૂકવા. થોડી વાર ઉકાળી, પછી ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.