રંગીન ચાટ
 • 109 Views

રંગીન ચાટ

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ બટાકા
 • 200 ગ્રામ શક્કરિયા
 • 200 ગ્રામ સૂરણ
 • 100 ગ્રામ સાબુદાણા
 • 50 ગ્રામ સીંગદાણા
 • 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, 1 લીંબુ
 • મીઠું, મરચું, ખાંડ, જીરુ, તજ, લવિંગ, તેલ
 • સજાવટ માટે –
 • 50 ગ્રામ બટાકાની તળેલી કાતરી
 • 50 ગ્રામ દાડમના લાલ દાણા
 • 1 ઝૂડી લીલા ધાણા
 • લાલ ચટણી – સીંગદાણા, લાલ મરચું, મીઠું અને ગોળ નાખી વાટી 1 ચમચો ચટણી બનાવવી.
 • લીલી ચટણી – લીલાં મરચાં, લીલા ધાણા, તલ, મીઠું અને થોડી ખાંડ નાંખી, વાટી લીલી ચટણી બનાવવી.
 • ચાટ મસાલો – તજ, લવિંગ, મરી, એલચી, ધાણા-જીરુ (શેકીને) ખંડીને તેમાં સિંધવ અને આમચૂર નાખી 1 ચમચો મસાલો બનાવવો.

Method - રીત

બટાકાને છોલી, ઝીણી કટકી કરી, તેલમાં તળી લેવા. તેમાં થોડુંક મીઠું અને લાલ ચટણી નાખી હલાવી લાલ બટાકા તૈયાર કરવા. શક્કરિયાને છોલી ઝીણી કટકી કરી, તેલમાં તળી લેવા. સૂરણને છોલી, છીણી, વરાળથી બાફી લેવું. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગ નાંખી છીણ વઘારવું. તેમાં મીઠું, મરચું, ખાંડ નાખી કોરું પડે એટલે ઉતારી, લીંબુનો રસ નાખવો.

સાબુદાણાને ચાર-પાંચ કલાક પાણી પલાળી, ફૂલે એટલે ચાળણીમાં કાઢી લેવા. થોડા તેલમાં જીરુનો વઘાર કરી સાબુદાણા વઘારવા. તેમાં મીઠું, સિંગદાણાને શેકી, છોલી, ભૂકો નાખવો. બરાબર થઈ જાય એટલે ઉતારી તેમાં લીલી ચટણી બરાબર મિક્સ કરવી. અાથી લીલો રંગ થશે.

ચાટની ગોઠવણી – એક ડિશમાં પહેલાં સૂરણનું છીણ મૂકવું. તેના ઉપર શક્કરિયાના સફેદ કટકા, તેના ઉપર બટાકાના લાલ કટકા તેના ઉપર લીલા સાબુદાણા પાથરી ચાટ મસાલો છાંટવો. તેના ઉપર બટાકાની કાતરી ભભરાવવી ઉપર લાલ દાડમના દાણા અને લીલા ધાણાથી સજાવટ કરવી.