વઘારેલાં સુરતી પાતરાં
 • 436 Views

વઘારેલાં સુરતી પાતરાં

Ingredients - સામગ્રી

 • વાટવાનો મસાલો –
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 25 ગ્રામ સિંગદાણા
 • 4 લીલાં મરચાં, કટકો અાદું
 • 10 કળી લસણ
 • બધું વાટી મસાલો તૈયાર કરવો.
 • પાતરાં માટેની –
 • 500 ગ્રામ અળવીનાં પાન-નાનાં
 • 350 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ ચોખાનો લોટ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • ટીસ્પૂન અજમાનો ભૂકો
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • ટીસ્પૂન લવિંગનો ભૂકો
 • મીઠું, મરચું, હળદર, ગોળ, અાંબલી, તેલ, સોડા-પ્રમાણસર

Method - રીત

ચણાનો અને ચોખાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર, મરચું, તલ, ધાણાજીરું, ગરમ મસાલો, અજમાનો ભૂકો, લવિંગનો ભૂકો, વાટેલો મસાલો, તેલનું થોડું મોણ, ગોળ-અાંબલીનો જાડો રસ અને ચપટી સોડા નાંખી, ભજિયાં જેવું ખીરું બાંધવું.

પાનની જાડી નસ કાઢી, તેને ધોઈ, કપડાથી કોરાં કરવાં. એકથાળીને ઊંધી મૂકી તેના ઉપર એક પાન મૂકવું. પાનની ટોચ ઉપર રહે અને પહોળો ભાગ નીચે રહે તેમ મૂકવું અને સુંવાળી બાજુ નીચે રાખવી. પછી તેના ઉપર ખીરું લગાડવું, પછી બન્ને બાજુની પટ્ટી વાળી તેના પર ખીરું ચોપડવું. પછી નીચેથી જરા વધારે વાળી ચપટો વીંટો વાળવો. નાનાં પાન હોય તો એક પાનનો એક વીંટો વાળવો. મોટાં પાન હોય તો તેના ચોરસ કટકા કરવા. નોનસ્ટિક બાઉલમાં થોડું તેલ મૂકી, તેમાં હિંગ નાંખી ગરમ થાય એટલે પાનના કટકા ગોઠવી દેવા. પછી ઉપર થોડું તેલ રેડવું. તાપ ખૂબ ધીમો રાખવો. પાન બરાબર બફાઈ જાય અને બન્ને બાજુ લાલ થખાય એટલે ઉતારી લેવાં. અા પાતરાં ગરમ સરસ લાગે છે.