દૂધીનાં ઢોકળાંની સેન્ડવિચ
  • 87 Views

દૂધીનાં ઢોકળાંની સેન્ડવિચ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ઢોકળાંનો લોટ
  • (કણકી કોરમાનો લોટ)
  • 3 ટેબલસ્પૂન દહીં
  • 500 ગ્રામ દૂધી
  • 5 લીલાં મરચાં, કટકો આદુ
  • 250 ગ્રામ તુવેરના લીલવા
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટેબલસ્પૂન ખસખસ
  • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • મીઠું, ખાંડ, સોડા, તેલ, હિંગ - પ્રમાણસર

Method - રીત

ઢોકળાના લોટમાં મીઠું, સોડા, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધવું. 12 કલાક ખીરું ઢાંકીને અાથી રાખવું. ઋતુ પ્રમાણે તેમાં ફેરફાર કરવો. અાથો અાવે એટલે તેમાં દૂધીને છોલી, છીણીને અંદર નાંખવી. અને થોડાં વાટેલા અાદું-મરચાં નાંખવા.

તુલેવના લીલવાને વાટી ભૂકો કરવો. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી, ધીમા તાપે બફાવા દેવો. બફાય એટલે 2 લીલાં મરચાંના કટકા, તલ, કોપરાનું ખમણ, ખસખસ અને ચમટી ખાંડ નાંખી ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

એક થાળીમાં તેલ લગાડી, ઢોકળાનું ખીરું પાથરવું. તેના ઉપર લીલવાનો મસાલો પાથરવો અને તેના ઉપર ફરી ઢોકળાનું ખીરું પાથરવું. પછી વરાળથી ઢોકળાંની થાળીઓ ઉતારવી. ફૂલી જાય એટલે થાળી કાઢી લેવી. ઠંડી પડે એટલે એક ડિશમાં ઢોકળાની થાળી ઊંધી પાડી, અાખાં ઢોકળાં કાઢવાં. પછી તેના ચોરસ કાપા કરી એક ચોકઠામાં ટામેટાંની ચટણી અને એક ચોકઠામાં લીલી ચટણી ભરવી. પીરસતી વખતે જ ચોરસ કટકા ચટણી સાથે કાપવા.

ટામેટાંની ચટણી – 10 ચમચા ટોમેટો પ્યુરેમાં (પલ્પ) 1 ચમચો દળેલી ખાંડ, 7 કળી વાટેલું લસણ, 1 ચમચી સૂકું મરચું, 1 ચમચી તજ-લવિંગનો ભૂકો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી ટામેટાંની ચટણી બનાવવી.

લીલી ચટણી – લીલું લસણ, લીલા ધાણા, થોડા સિંગદાણા, લીલાં મરચાં, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી લીલી ચટણીબનાવવી. બન્ને ચટણી વારાફરતી ઢોકળાના ચોરસ નાના કટકા ઉપર પાથરવી અને ચટણી સાથે જ ઢોકળાંના નાના કટકા પીરસવા.