આખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે દિવસે કપડા ઉપર પાથરી, કોરા કરવા. રાઈની દાળ, ધાણાના કૂરિયા, શેકેલી મેથીનો ભૂકો, મરચું, મીઠું, બધું ભેગું કરી, તેમાં હળદર અને અડધી ચમચી હિંગ નાંખવી. તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વઘાર કરી, તેલ સાધારણ ઠંડું પડે એટલે મસાલો વઘારવો. મસાલો તદ્દન ઠંડો પડે એટલે તેમાં ગોળ કાતરીને ભેળવી દેવો.
એક મોટી થાળીમાં કેરીના કટકા ભરી, તેમાં તેલ નાંખી રગદોળવા. પછી તેમાં ગોળવાળો મસાલો વરિયાળી અને મરી નાંખી, હલાવી અથાણું બરણીમાં ભરવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.