મેઈઝ રોલ્સ
 • 322 Views

મેઈઝ રોલ્સ

Ingredients - સામગ્રી

 • પૂરણ માટે
 • 1 કિલો મકાઈ
 • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
 • 1 કપ દૂધ
 • 7 લીલાં મરચાં, 2 કટકા અાદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 લીંબુ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, ખાંડ, દ્રાક્ષ, કાજુ,
 • તજ, લવિંગ, તેલ – પ્રમાણસર
 • રોલ્સ માટે –
 • 1 કિલો બટાકા
 • 500 ગ્રામ ગાજર
 • 50 ગ્રામ અારારુટ
 • મીઠું, તેલ, બ્રેડક્રમ્સ – પ્રમાણસર

Method - રીત

મકાઈને છોલી, છીણીથી છીણવા. થોડા દાણા અાખા રહ્યા હોય તો વાટી નાંખવા. એક તપેલીમાં તેલ મૂકી તજ-લવિંગ (અધકચરાં ખાંડીને) નાંખી મકાઈનો ભૂકો વઘારવો. તેમાં થોડું મીઠું નાંખી ધીમા તાપે સાંતળવો. બદામી રંગ થાય એટલે તેમાં દૂધ, વાટેલાં અાદું-મરચાં, તલ, દ્રાક્ષ, કાજુના બારીક કટકા, તજ-લવિંગ-મરીનો ભૂકો અને ખાંડ નાંખી ધીમા તાપ ઉપર સીજવા મૂકવું. બરાબર ખીલી જાય એટલે ઉતારી, નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખીને પૂરણ તૈયાર કરવું.

બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી છીણી નાંખવા. પછી બટાકાનો માવો, ગાજરનું છીણ (પાણી નિચોવી) અારારુટ અને મીઠું નાંખી, મસળી કણક તૈયાર કરવી. તેમાંથી લૂઓ લઈ, હાથથી પૂરી થાપી, તેમાં મકાઈનું પૂરણ ભરી, રોલ્સ વાળવા. પછી બ્રેડક્રમ્સમાં રગદોળી, પેણીમાં તેલ મૂકી તળી લેવા.

નોંધ – ગાજરને ચારેબાજુથી ગોળ-ગોળ છીણવાથી વચ્ચેનો સફેદ ભાગ વચ્ચે રહેશે. માત્ર તેનો લાલ ભાગ જ છિણાશે. ગાજરનું લાલ છીણ નિચોવીને બટાકાના માવામાં નાંખવાથી ગુલાબી રંગનું પડ તૈયાર થશે. બટાકાની પૂરી વણીને કરવી હોય તો અારારુટનું અટામણ થઈને પૂરી વણવી.