બાજરીનો સ્ટફ્ડ હાંડવો
 • 351 Views

બાજરીનો સ્ટફ્ડ હાંડવો

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બાજરીનો તાજો, કરકરો લોટ
 • 100 ગ્રામ દહીં, 2 લીલાં મરચાં, કટકો અાદું
 • મીઠું, ખાંડ, તેલ, ચપટી સોડા
 • ગ્રીન ફિલિંગ –
 • 50 ગ્રામ તુવેરના લીલવા
 • 50 ગ્રામ ફણગાવેલા મગ, 2 કેપ્સીકમ
 • 2 લીલાં મરચાં, 5 કળી લસણ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • રેડ ફિલિંગ –
 • 50 ગ્રામ ગાજરનું છીણ, 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન તલ
 • 1/2 ટીસ્પૂન લાલ મરચું, મીઠું, ખાંડ
 • સજાવટ માટે –
 • 4 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન ખસખસ
 • 1 ટીસ્પન લાલ ચટણી

Method - રીત

બાજરીના કરકરા લોટમાં મીઠું, દહીં, સોડા અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધી, ચાર-પાંચ કલાક અાથી રાખવું. પછી તેમાં ખાંડ અને વાટેલાં અાદું-મરચાં નાંખવા.

તુવેરના લીલવા અને ફણગાવેલા મગને વરાળથી બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખી તુવેરના લીલવા, મગ, કેપ્સીકમનાં બી કાઢી, કતરી, મીઠું, ખાંડ, વાટેલા મરચાં, વાટેલું લસણ, નાંખી, હલાવી, ઉતારી લીંબુનો રસ અને લીલાધાણા નાંખી, ગ્રીન ફિલિંગ તાયૈર કરવું.

ગાજરનું છીણ, કોપરાનું ખમણ, તલ, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ અને ટોમેટો કેચપ નાંખી, મિક્સ કરી, રેડ ફિલિંગ તૈયાર કરવું.

એક ઉંડી બેકિંગ ડિશમાં તેલ લગાડી, બાજરીનું એક લેયર કરવું. તેના ઉપર ગ્રીન ફિલિંગ પાથરવું. ફરી બાજરીનું લેયર કરવું. તેના ઉપર રેડ ફિલિંગ પાથરવું. ફરી બાજરીનું લેયર કરવું. તેના ઉપર રેડ ફિલિંગ પાથરી, બાજરીનું ખીરું પાથરવું. ઉપર કોપરાનું ખમણ, તલ અને ખસખસ પાથરી, ઉપર વચમાં લાલ ચટણીનું ટપકું કરી સજાવટ કરવી. તેલમાં હિંગનો વઘાર કરી ઉપર રેડી, પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે હાંડવો બેક કરવો. બન્ને બાજુ રતાશ પડતો થાય એટલે કાઢી, કટકા કરી, દહીંની ચટણી સાથે પીરસવો.

નોંધ – બાજરીના લોટને બદલે ઢોકળાનો લોટ (કણકી કોરમાનો કરકરો લોટ) અથવા ઈડલીના ખીરાથી અાવી રીતે સ્ટફ્ડ હાંડવી બનાવી શકાય છે.