રંગીન હાંડવો
 • 118 Views

રંગીન હાંડવો

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ મસૂરની દાળ
 • 100 ગ્રામ દહીં
 • 100 ગ્રામ ગજર
 • 100 ગ્રામ ટામેટાં
 • 250 ગ્રામ મગની દાળ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 100 ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મિસેલી)
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 200 ગ્રામ ફણગાવેલા મગ (વરોડાં)
 • 100 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ, રાઈ, હિંગ,
 • લાલ મરચાંનો ભૂકો, હળદર

Method - રીત

મસૂરની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટી લેવી. તેમાં મીઠું, 50 ગ્રામ દહીં, થોડોક સોડા, તેલ અને થોડી ખાંડ નાંખી, ખીરું ચાર કલાક રાખી મૂકવું. ત્યાર બાદ ગાજરનો સફેદ અને લીલો ભાગ કાઢી છીણી લેવાં. ગાજરને ગોળ ચારે બાજુ છીણવાથીલાલ ભાગ જ છિણાશે અને વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો. ટામેટાંના બારીક કટકા કરવા. પછી મસૂરની દાળના ખીરામાં ટામેટાં, ગાજરનું છીણ અને લાલ મરચાંનો ભૂકો નાંખી, ખીરું તૈયાર કરવું.

મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટી નાંખવી. તેમાં 50 ગ્રામ દહીં, મીઠું, થોડો સોડા, તેલનું મોણ અને થોડી ખાંડ નાંખી, ચાર કલાક અાથી રાખવું. પછી તેમાં હળદર, અડધા ભાગનું નાળિયેરનું ખમણ, અડધા ભાગની વર્મિસેલી (થોડાં તેલમાં સાંતળીને), થોડાં વાટેલાં અાદું-મરચાં નાંખી ખીરું તૈયાર કરવું.

મગનાં વરોડાંને વરાળથી બાફી લેવાં. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, વરોડાં વઘારવાં. તેમાં કેપ્સીકમ (મોટાં મરચાં)ને સમારીને નાંખવાં. પછી મીઠું, તલ, લીલાં મરચાંના કટકા, થોડી ખસખસ અને નાળિયેરનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણા ભભરાવવા.

એક નીચેથી સપાટ તપેલી કે ડબ્બામાં ચારેબાજુ તેલ લગાડી, પહેલાં મસૂરની દાળનું ખીરું મૂકવું તેના ઉપર મગના વરોડાનો મસાલો પાથરવો. તેના ઉપર મગની દાળનું ખીરું મૂકવું. ઉપર ખસખસ અને વર્મીસેલી થોડા તેલમાં શેકી ભભરાવવી. થોડા તેલમાં હિંગ અને છેલ્લે તલ નાંખી વઘાર કરી, ઉપર રેડી દેવો. પછી ઓવનને પહેલાંથી ગરમ કરી 3500 ફે. તાપે હાંડવો બેક કરી લેવો. ઠંડો પડે એટલે કટકા કાપી, એક ડીશમાં અાડા મૂકવા, જેથી ત્રણ રંગ દેખાશે. ટોમેટો સોસ સાથે ઉપયોગ કરવો.