નીલમા
 • 361 Views

નીલમા

Ingredients - સામગ્રી

 • 2 કપ ચણાની દાળ
 • 1 કપ ચોખા
 • 1 કપ તુવેરની દાળ
 • 1 કપ જુવાર
 • 5 લસણની કળી
 • 4 કપ છાશ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 2 ટેબલસ્પૂન તલ
 • 50 ગ્રામ પાલકની ભાજી
 • 50 ગ્રામ મેથીની ભાજી
 • 50 ગ્રામ લીલા ધાણા
 • 25 ગ્રામ લીલું લસણ
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન ખસખસ
 • મીઠું, તેલ, રાઈ, હિંગ, અજમો

Method - રીત

ચણાની દાળ, ચોખા, તુવેરની દાળ અને જુવાર બધું ભેગું કરી કરકરું દળાવવું. તેમાં મૂઠી પડતું તેલનું મોણ નાંખવું.

એક તપેલીમાં તેલ મૂકી, તેમાં લસણની કળીના કટકા નાંખવા, વઘાર થાય એટલે છાશ નાંખવી. તેમાં મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં અને 1 ચમચો તલ નાંખવા. પાલકની ભાજી, મેથીની ભાજી, લીલા ધાણા અને લીલું લસણ બધું ઝીણું સમારી, ધોઈ, નિતારી, અંદર નાંખવું. ઉકળે એટલે તેમાં ધીમે ધીમે લોટ નાંખવો અને હલાવતાં જવું. જેથી ગાંઠા પડે નહિ. પછી ખૂબ ધીમાં તાપ ઉપર સીઝવા મૂકવું. બરાબર સિઝાઈ જાય એટલે ઉતારી લેવું. પછી તેના પાતળા વીંટા વાળી કૂકરમાં વરાળથી બાફી લેવા. ઠંડા પડે એટલે તેના ગોળ (પાતરા જેવા) કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી રાઈ, હિંગ, અજમો અને 1 ચમચો તલ નાંખી, વઘારવા. બદામી થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને ખસખસ ભભરાવી, કમરખની સીઝન હોય તે તેની ચટણી અથવા કાંચા લીલા ટામેટાંની ચટણી બનાવવી.

ચટણી – 50 ગ્રામ સિંગદાણા, 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 2 લીલાં મરચાં, કટકો અાદું, થોડા લીલા ધાણા અને મીઠું નાંખી ચટણી વાટવી, એક તપેલીમાં તેલ મૂકી તેમાં હિંગ નાંખી ચટણી સાંતળવી. સુગંધ અાવે એટલે 2 કમરખના કટકા, કાપેલો ગોળ અને થોડું પાણી નાંખી, રસાદાર થાય એટલે ઉતારી લેવી. કમરખાને બદલે કાચાં ટામેટાં લઈ શકાય