પાણી પૂરી
  • 898 Views

પાણી પૂરી

Method - રીત

પૂરી    -
2 વાડકી રવામાં થોડુંક જ મીઠું નાંખી, કઠણ લોટ બાંધવો એક કપડાને પાણીમાં પલાળી, બરાબર નિચોવી, કણક ઉપર વીંટી કણકને તપેલીમાં મૂકી ઢાંકણ ઢાંકી છ કલાક રહેવા દેવી. પછી ખાંડી, મસળી તેમાંથી મોટો પાતળો રોટલો વણી, ડબ્બીના નાના ઢાંકણાથી પૂરીઓ કાપવી, ભીના ચાદરના કપડા ઉપર છૂટી પાથરવી. થોડી વાર પછી પેણીમાં વધારે તેલ મૂકી, સારું ગરમ થાય એટલે એક એક કરીને સાત-અાઠ પૂરી મૂકવી. તેને સાધારણ દબાવી ફુલાવવી. બધી ફૂલી જાય પછી ફેરવવી. પૂરીકડક તળાય પછી કાઢી લેવી. હાલમાં પૂરીના તૈયાર પેકેટ મળે છે તો તેનો પણ ઉપયોગ થઈ શકે.

પાણીપૂરીનું પાણી -
અડધી ઝૂડી ફુદીનાનાં પાન, થોડા લીલા ધાણા, 10 લીલાં મરચાં અને અાદુ નાખી મિક્સરમાં ઝીણી પેસ્ટ બનાવવી. તેમાં 3 કપ પાણી, મીઠું, સંચળ અને પાણીપૂરીનો મસાલો 2 ચમચા નાંખી બરાબર મિક્સ કરી, પાણી બનાવવું. (પાણી પૂરીના મસાલા માટે જૂઓ મસાલા વિભાગ) તૈયાર પણ મસાલો મળે છે તે પણ નાખી શકાય.
100 ગ્રામ ખજૂર અને 50 ગ્રામ અાંબલીને પલાળી, વાટી તેનું પાણી બનાવવું તેમાં થોડો ગોળ નાંખી, પાતળી ચટણી બનાવવી.
 

શાક –
250 ગ્રામ બટાકાને બાફી, છોલી, કટકા કરવા. 200 ગ્રામ ચણાને બાફી લેવા. બન્ને ભેગા કરી, મીઠું, મરચું, મરીનો ભૂકો નાંખવો. 200 ગ્રામ બુંદી તૈયાર રાખવી.

એક બાઉલમાં છ-સાત પૂરી મૂકી, તેને ફોડી, ઉપર બટાકા-ચણા મૂકવાં. તેના ઉપર પાણી અને ખજૂર-અાંબલીની ચટણી નાંખવી. ઉપર બુંદી ભભરાવવી.

દહીં-સેવ-બટાકા પૂરી –
ઉપર પ્રમાણે પૂરી તૈયાર કરવી. દહીંમાં મીઠું અને ખાંડ નાંખી વલોવી તૈયાર કરવું. 1 જીડવં લસણ ફોલી, વાટી, અંદર મીઠું અને મરચું નાંખી પાતળી ચટણી બનાવવી. એક બાઉલમાં પૂરી મૂકી, ફોડી તેમાં બટાકા અને ચણા મૂકી ઉપર ખજૂર અાંબલીની ચટણી અને લસણની ચટણી નાંખવી. તેના ઉપર સેવ અને થોડા લીલા ધાણા નાખી સજાવટ કરી પીરસવું.