પેટીસ વડાં
  • 85 Views

પેટીસ વડાં

Ingredients - સામગ્રી

  • 1 કિલો બટાકા
  • 7 લીલાં મરચાં, કટકો અાદું
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 250 ગ્રામ ફોડેલા મગ (મગનાં વરોડાં)
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 25 ગ્રામ કોપરાનું ખમણ
  • 1 લીંબુ, 1 ઝૂડી લીલા ધાણા
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 250 ગ્રામ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)
  • મીઠું, મરચું, ખાંડ, હિંગ, તેલ,
  • લીલા લસણની ચટણી

Method - રીત

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં 4 વાટેલાં લીલાં મરચાં, વાટેલું અાદું અને મીઠું નાંખી, મસળી કણક તૈયાર કરવી.

વટાણા અને મગનાં વરોડાં ને વરાળથી બાફી લેવાં. એક વાસણમાં તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, વટાણા અને મગનાં વરોડાં વઘારવાં. તેમાં મીઠું, ખાંડ, 3 લીલાં મરચાંના બારીક કટકા, તલ અને ગરમ મસાલો નાંખી, શાક કોરું થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખી, પૂરણ તૈયાર કરવું.

ચણાનો લોટ થાળીમાં લઈ તેમાં મીઠું, ચપટી સોડા અને પાણી નાંખી ખૂબ ફીણી, ખીરું તૈયાર કરવું. ખીરું સાધારણ જાડું રાખવું. દહીંના મસ્કામાં મીઠું અને થોડી ખાંડ નાંખી, વલોવી તૈયાર કરવું.

બટાકાની કણકમાંથી લૂઓ લઈ, વાડકી અાકાર બનાવી, તેમાં તૈયાર કરેલું પૂરણ ભરી, બંધ કરી, પેટીસ જેમ દાબી, ચણાના ખીરામાં બોળી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તળી લેવી.

એક ડિશમાં બે પેટીસ વડાં મૂકી, ચાર કાપા કરી (રવૈયા જેમ) ઉપર એક ચમચી દહીંનો મસ્કો નાંખવો. તેના ઉપર લીલી ચટણી અથવા ખજૂર-અાંબલીની ચટણી નાંખવી. ટામેટાના પતીકાં, લીલી ડુંગળીની રીંગ અને કેપ્સીકમની રિંગથી સજાવટ કરવી.