પોટેટો ફ્રાય
 • 353 Views

પોટેટો ફ્રાય

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ સિંગદાણા
 • 250 ગ્રામ કોપરું
 • 7 કળી લસણ
 • 250 ગ્રામ બટાકા
 • 25 ગ્રામ કાજુ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 25 ગ્રામ દ્રાક્ષ
 • 100 ગ્રામ લીલા ધાણા
 • 1 કિલો બટાકા (પડ માટે)
 • 4 બ્રેડની સ્લાઈસ
 • 25 ગ્રામ અારારુટ
 • 7 લીલાં મરચાં, કટકો અાદું,
 • મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ,
 • સૂકો મસાલો – તજ, લવિંગ, ધાણા, જીરું, મરી, એલચી, વરિયાળી, તમાલપત્ર, શાહજીરું, અનારદાણા.
 • બધી વસ્તું થોડા તેલમાં શેકી, તેમાં શાહજીરું અને અનારદાણા (બન્ને શેક્યા વગર) નાંખી, ખાંડી 2 ચમચાં મસાલો બનાવવો.
 • વાટવાનો મસાલો – સિંગદાણાને શેકી, છોડાં કાઢવા. કોપરાને છીણી સાધારણ શેકી લેવું. તે બન્ને ભેગાં કરી તેમાં તૈયાર કરેલો સૂકો મસાલો, મીઠું અને લસણ નાંખી, વાટીને મસાલો બનાવવો. વાટતી વખતે થોડું પાણી નાંખવું.

Method - રીત

250 ગ્રામ બટાકાને બાફી, છોલી, તેની બારીક કટકી કરી, તેલમાં સાધારણ કડક તળી લેવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, તેલમાં તજ-લવિંગનો વઘાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં કાજુની કટકી, તલ, બટાકાની કટકી, મીઠું, ખાંડ અને દ્રાક્ષ નાંખી ઉતારી, લીલા ધાણા બારીક સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

બનાવટ – બટાકાને બાફી, છોલી, બે કલાક રહેવા દેવા, જેથી બરાબર કોરા થઈ જાય, પછી તેને વાટી નાંખવા. બ્રેડના સ્લાઈસનો કટક ભાગ કાઢી, પાણીમાં પલાળી, દાથથી દાબી પાણી નિચોવી, બટાકામાં ભેળવી દેવી. તેમાં મીઠું નાંખી, બરાબર મસળી બટાકાનો માવો તૈયાર કરવો. પછી તેના લૂઅા પાડવા. અારારુટનું અટામણ લઈ, તેની લાંબી પૂરી બનાવવી. તેના ઉપર મસાલો મૂકી, બેવડી વાળવી. પછી છરીથી ત્રિકોણ કાપી અાજુબાજુનો ભાગ કાપી લઈ તેના છોડા છરીથી દાબી દેવાં. પછી છરીને અાડી કરી, ખૂણા ઉપર દબાવીને બરાબર ત્રિકોણ અાકાર કરવો. પછી તવા ઉપર તેલ મૂકી, પોટેટો ફ્રાય તળી લેવા.

ડિશનું ડેકોરેશન – ડિશમાં ત્રણ પોટેટો ફ્રાય ગોઠવવા. તેનો ત્રિકોણ ભાગ વચ્ચે રહે અને પહોળો ભાગ બહારની બાજુએ રહે તેમ ગોઠવવા. પછી પોટેટો ફ્રાયની બાજુએ જે જગ્યા રહે તેમાં દહીમાં મીઠું અને નાળિયેરનું ખમણ નાંખી, તે દહીં મૂકવું. ખજૂરને કાપી તેમાંથી ઠળિયો કાઢી, કોપરાનો કટકો લંબગોળ કાપીને ઊભો મૂકવો. અાથી ખજૂરના હોડકામાં માણસનો દેખાવ થશે. ટોચ ઉપર કાળી દ્રાક્ષ મૂકી ટોપી કરવી. કોપરાની સઙી બનાવી, તેને એક દ્રાક્ષ લગાડી, ઉભી હલેસા જેમ મૂકવી. ડિશની કિનારની એક ઈંચની પટ્ટી બાકી રાખી હોય તેમાં કોપરાના ખમણને લીલા કલરથી રંગી પાથરી દેવું અાથી કિનાર ઘાસવાળી જમીન જેવું લાગશે. પોટેટો ફ્રાય સાથે નાળિયેરના રાયતાનો પણ ઉપયોગ કરી શકાશે. ટેબલ ઉપર મૂકવાની વાનગી અથવા વાનગી – પ્રદર્શનમાં મૂકવાની વાનગીમાં અાવું ડેકોરેશન કરવાથી વાનગી અાકર્ષક લાગશે. અાવી જાતનું ડેકોરેશન કોઈપણ ફરસાણની વાનગીની ડિશમાં થઈ શકે.