ચણાના લોટમાં મીઠું, હળદર, વાટેલાં આદું-મરચાં, વાટેલું લસણ, અડધો ચમચો ગરમ મસાલો, મૂઠી પડતું તેલનું મોણ અને ગોળ-આબલીનું પાણી નાંખી કઠણ કણક બાંધવી, તેલનો હાથ લઈ તેમાંથી લીંબુ જેટલા ગોળા બનાવવા. એક તપેલીમાં પાણી મૂકી, સારું ઉકળે એટલે તેમાં ગોળા નાંખવા. ગોળા બફાય એટલે પાણીમાંથી કાઢી ઠંડા પડે એટલે તેના મોટા કટકા કરવા. બટાકાને બાફી, છોલી, કટકા કરવા. બટાકાના અને વડાંના એકસરખા માપના કટકા કરવા. બટાકાના કટકામાં મીઠું, હળદર, ગરમ મસાલો અને ધાણાજીરું નાંખવા. પેણીમાં તેલ મૂકી, રાઈ, હિંગનો વઘાર કરી, બન્ને કટકા વઘારવા. રતાશ પડતા થાય એટલે ઉતારી, લીલા ધાણા ભભરાવવા. શાક ઠંડું પડે એટલે દહીંમાં મીઠું અને ખાંડ નાંખી, હલાવી નાંખવું. ઉપર થોડા લીલા ધાણા ભભરાવવા.