કઠોળનાં મસાલા વડાં
 • 278 Views

કઠોળનાં મસાલા વડાં

Ingredients - સામગ્રી

 • ઉપરના પડ માટે –
 • 100 ગ્રામ અડદની દાળ
 • 200 ગ્રામ ચોખા
 • કટકો અાદું
 • 4 લીલાં મરચાં
 • મીઠું, તેલ – પ્રમાણસર
 • પૂરણ માટે –
 • 100 ગ્રામ ચોળા
 • 200 ગ્રામ લીલા મગ
 • 100 ગ્રામ મઠ
 • 4 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 5 કળી લસણ-1 લીંબુ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 7 કાજુ, 15 લાલ દ્રાક્ષ
 • મીઠું, તેલ, તજ, લવિંગ, ખાંડ

Method - રીત

અડદની દાળ અને ચોખાને રાત્રે પાણીમાં પલાળી રાખવાં. સવારે નિતારી, વાટવાં. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખવા. પછી એક કપ પાણી રેડી ખૂબ ફીણી અને ઢાંકીને રહેવા દેવું. ચોળા, મગ અને મઠને રાત્રે પાણીમાં પલાળી રાખવા. સવારે કપડામાં બાંધી ઉપર વજન મૂકવું. ચોવીસ કલાકે તેમાં ફણગા ફૂટશે. ત્યારબાદ ખુલ્લા પ્રકાશમાં ફણગાને રહેવા દેવા, જેથી વધુ મોટા ફણગા થશે. ફણગાવેલા કઠોળમાં મીઠું અને અાદું-મરચાં નાંખી, અધકચરું વાટી લેવું. એક તપેલીમાં થોડું તેલ મૂકી, તેમાં તજ-લવિંગ (અધકચરાં) નાંખી, કઠોળનો માવો વઘારવો. તાપ ધીમો રાખવો. ઢાંકણ ઉપર પાણી મૂકવું જેથી બરાબર બફાય. પછી તેમાં ખાંડ, તલ અને ખસખસ નાંખવાં. બરાબર બફાય એટલે ઉતારી, નાળિયેરનું ખમણ, લીલા ધાણા, લીંબનો રસ, ગરમ મસાલો, વાટેલું લસણ અને કાજુની કટકી નાંખી, હલાવી, માવાના લૂઅા કરવા. વચ્ચે એક એક દ્રાક્ષ મૂકી ચપટાં વડાં તૈયાર કરવાં.

તવા ઉપર વધારે તેલ મૂકી, તૈયાર કરેલા વડાંને ચોખા-અડદનાં ખીરામાં બોળી તવા ઉપર એકીસાથે 5-6 વડાં ગોઠવવાં. તાપ ધીમો રાખવો. એક બાજુ બદામી રંગના થાય એટલે બીજી બાજુ ફેરવવાં. ચારે બાજુ થોડું તેલ મૂકવું. બન્ને બાજુ બદામી થાય એટલે ઉતારી, કોઈપણ દહીંની ચટણી સાથે પીરસવાં.