મસૂર, મગ અને મઠને રાત્રે પાણીમાં પલાળી રાખવા. સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું. ચોવીસ કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી તેને વરાળથી બાફી લેવા. વધારે બફાય નહિ પણ અાખા રહે તેટલા બાફવા. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે તેમાં ત્રણે કઠોળ વઘારી દેવાં. પછી તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું, તલ, ખસખસ, લીલા મરચાંના બારીક કટકા નાંખી, ઉતારી, લીંબુનો રસ, કોપરાનું ખમણ, વાટેલું લસણ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા કરીને નાંખવા.
બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. પૌંઅાને ધોઈ, થાળીમાં છૂટા કરવા. ફૂલી જાય અને કોરા થઈ જાય એટલે મસળીને બટાકાના માવામાં સારી રીતે મિક્સ કરવા. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખી, મસળી, તેમાંથી લૂઓ લઈ લઈ વાડકી અાકાર બનાવવો. તેમાં કઠોળનું પૂરણ ભરી, બંધ કરી, પેટીસ વાળવી. વર્મીસેલી (મેંદાની સેવ)નો ભૂકો કરી, તેમાં પેટીસ રગદોળવી. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે પેટીસ તળી લેવી.
નોંધ – વર્મીસેલીનાં (ઢમરુની સેવનાં) પેકે તૈયાર મળે છે. તેમાંથી ઝીણી મેંદાની સેવ વાપરવી.