મગની દાળને પાણીમાં પાંચ-છ કલાક પલાળી રાખવી. પછી નિતારી વાટવી. એક વાસણમાં ઘી મૂકી, તજ-લવિંગ (અધકચરાં ખાંડી) નાંખી, દાળ વઘારવી. મીઠું નાંખી ધીમા તાપે બફાવા દેવી. બફાય એટલે તેમાં લીલાં મરચાંના કટકા, તલ અને ખાંડ નાંખી ઉતારી લેવું. પછી બરાબર હલાવી છૂટો ભૂકો કરી, તેમાં નાલિયેરનું ખમણ, ધાણાજીરું, ગરમ મસાલો, કાજુની કટકી, લીંબુનો રસ અને લીલા ધામા નાંખી મસાલો તૈયાર કરવ.
બટાકાને બાફી, છોલી તેનો લોચો કરવો. તેમાં મીઠું અને થોડો અારારુટ નાંખી બરાબર મસળી તેમાંથી મોટો લૂઓ લેવો. અારારુટનું અટામણ લઈ, તેનો વાડકી અાકાર બનાવવો. તેમાં મસાલો ભરી, બંધ કરી, દાબીને મોટી પેટીસ બનાવવી. નાની વાડકી જેટલી મોટી પેટીસ બનાવવી, જેથી કાપતી વખતે બરાબર કાપી શકાય, પછી અારારુટમાં રગદોળી, તવા ઉપર વધારે ઘી મૂકી તળવી. બન્ને પડ બદામી રંગના ડક થાય એટલે ઉતારી લેવી. પેટીસ ઠંડી પડે એટલે વચ્ચેથી કાપી તેનાં બન્ને પડ છૂટાં કરવા.
એક ડીશમાં મસાલાવાળો ભાગ ઉપર રહે તેમ બે પડ ગોઠવવાં. ઉપર નાળિયેરનું થોડું ખમણ પાથરવું. તેના ઉપર ચાર દ્રાક્ષ અને ચાર-પાંચ ચારોળી ગોઠવવી. એક ચમચી ગળી ચટણી છાંટવી. તેના ઉપર એક ચમચી તીખી લીલી ચટણી રેડવી. થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી.