તુવેરના લીલવાને વાટવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, બે લવિંગ અને કટકો તજ નાંખી, લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ધીમા તાપે ચઢવા દેવા. બફાય એટલે તેમાં ખાંડ, લીલાં મરચાંના બારીક કટકા, તલ અને બટાકાને બાફી, છોલી, મસળી તેનો ભૂકો નાંખવો. થોડી વાર હલાવી નીચે ઉતારી, તેમાં ગરમ મસાલો, કોપરાનું ખમણ લીંબુનો રસ, વાટેલું લસણ અને લીળા ધાણાને સમારી, ધોઈ કોરા કરી નાંખી પૂરણ તૈયાર કરવું.
ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી, કણક બાંધવી. તેમાંથી નાની પૂરી બનાવી. તેમાં તૈયાર કરેલું પૂરણ ભરી કચોરી વાળવી.
એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ નાંખી પાણી વઘારવું. પાણી ઊકળે એટલે તેમાં બનાવેલી કચોરી મૂકવી. કચોરી બરાબર બફાઈ જાય એટલે ટામેટાંને બાફી, ગાળી તેનો રસ નાંખવો. નાળિયેરનું ખમણ અને અાદું-મરચાંને ઝીણાં વાટી નાંખવા. ગાજરને છોલી વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કટકી કરી નાંખવી. પછી મીઠું, હળદર, મરચું, ખાંડ, ધાણાજીરું, મરીનો ભૂકો, તજ-લવિંગનો ભૂકો બધું નાંખી જાડું રસાદાર થાય એઠલે ઉતારી લીલા ધાણા નાખવા. પીરસતી વખતે થોડી ચણાની ઝીણી સેવ, કોપરાનું ખમણ અને લીલા ધાણા ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.