રિબન કચોરી
  • 1039 Views

રિબન કચોરી

Ingredients - સામગ્રી

  • 500 લીલા વટાણા
  • 3 લીલાં મરચાં
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલસ્પૂન તલ
  • 25 ગ્રામ કોપરાનું ખમણ
  • 1 લીંબુ, 1 ડુંગળી
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 500 ગ્રામ મેંદો
  • મીઠું, ખાંડ, હિંગ, ઘી, તેલ - પ્રમાણસર

Method - રીત

લીલા વટાણાને વાટવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં થોડી હિંગ નાંખી, ડુંગળીને કાપીને નાંખવી. બદામી રંગ થાય એટલે વટાણાનો ભૂકો વઘારવો. તેમાં લીલાં મરચાંના કટકા અને મીઠુ નાખી, ધીમે તાપે બફાવા દેવું. પછી તેમાં ગરમ મસાલો, તલ અને ખાંડ નાંખી ઉતારી લેવું. ત્યારબાદ તેમાં કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણાને ઝીણા સમારી, કોરા કરીને નાંખી પૂરણ તૈયાર કરવું.

મેંદાના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાંખી, કણક બાંધવી. એક કલાક ઢાંકીને કણક રહેવા દેવી. પછી થોડં ઘી, લઈ સારી રીતે કેળવવી. પછી તેમાંથી મોટી પૂરી વણવી. પૂરીનો વચ્ચેનો ભાગ બાકી રાખી, પૂરીની બન્ને બાજુએ છરીથી અાડા કાપા કરવા. લગભગ બન્ને કિનારીએ સાત સાત કાપા કરવા. પછી જે વચ્ચેનો પૂરીનો ભાગ બાકી રાખ્યો છે તેની ઉપર પૂરણ મુકવું. ઉપરની પૂરીની ગોળ કિનારની નાની પટ્ટી વાળી દેવી. પછી પૂરીની એક કિનારનો એક કાપો પૂરણ ઉપર વાળવો. તેને લાગીને પૂરીની બીજી કિનારનો કાપો વાળવો. પછીથી બન્ને કિનારના બધા કાપા (પટ્ટીઓ) ક્રોસમાં પૂરણના ભાગ ઉપર વાળી દેવા. એટલે બધો પૂરણનો ભાગ વાળની સેરની જેમ પટ્ટીથી બંધ થઈ જશે. ઉપર વાળની સેરની જેમ ગૂંથણી પડશે અને રિબન બાંધેલી હોય તેમ લાગશે. અાવી રીતે બધી કચોરી તૈયાર કરી, પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે બેક કરવી. બદામી રંગ થાય એટલે કાઢી, ટોમેટો સોસ સાથે પીરસવી.