રુમાલવડાં
 • 415 Views

રુમાલવડાં

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ વટાણા
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ ફણસી
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 કિલો દહીં, 1 લીંબુ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 500 ગ્રામ ચોળાની દાળ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, તજ, લવિંગ
 • અાંબોળિયાંની ચટણી – 50 ગ્રામ અાંબોળિયાને ધોઈ, 2 કપ પાણીમાં બાફવાં. મીણ જેવાં બફાઈ જાય એટલે ચાળણીમાં છણી લેવાં. પછી તેમાં 50 ગ્રામ ગોળ, મીઠું, શેકેલા જીરાનો ભૂકો, શેકેલા તલનો ભૂકો અને થોડો મરીનો ભૂકો નાંખી ગરમ મૂકી, જાડી થાય એટલે ચટણી ઉતારી લેવી.

Method - રીત

લીલા વટાણા, તુવેરના લીલવા અને ફણસીને સમારી, બધું વરાળથી બાફી લેવું. વટાણા અને લીલવાને અધકચરાં કરવાં. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગ (અધકચરાં ખાંડી)નો વઘાર કરી, બધું વઘારવું. તેમાં મીઠું, થોડી ખાંડ, 2 લીલાં મરચાંના કટકા, ગરમ મસાલો અને તલ નાંખી, ઉતારી લેવું. પછી લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા કરી નાંખવા.

ચોળાની દાળને સાત-અાઠ કલાક પાણીમાં પલાળી વાટી લેવી. તેમાં મીઠું અને વાટેલા અાદું-મરચાં નાંખી, ફીણીને ખીરું તૈયાર કરવુ.ં થાળી ઊંધી પાડી, ઉપર ભીનો રુમાલ પાથરી, ખીરું પૂરી જેવું ગોળ પાથરવું. તેના ઉપર શાકનો મસાલો મૂકી, પૂરીને ત્રિકોણ અાકારે વાળવી. અથવા પૂરીના અડધા ભાગ ઉપર મસાલો મૂકી, પૂરી બેવડી વાળી દેવી. પછી વડાંને રુમાલ ઉપરથી પાણીનો હાથ કરી લેવાં. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તળી લેવા.

દહીંને કપડામાં બાંધી, બધું પાણી કાઢી, મસ્કો તૈયાર કરવો. તેને વલોવી, મીઠું અને ઝીણી ખાંડ નાંખવી.

એક ડિશમાં વડાં મૂકી, તેના ઉપર દહીં નાંખી, અાંબોળિયાની ચટણી રેડવી. ઉપર મરચાંની ભૂકી છાંટવી.