સૂકા કોપરાને છીણી, ધીમા તાપે શેકી લેવું. તલ અને ખસખસને શેકી ખાંડવાં. લીલા મરચાંના બારીક કટકા કરી, થોડા તેલમાં સાધારણ શેકી લેવા. પછી કોપરાનું ખમણ, તેલ, ખસખસ, લીલાં મરચાંના કટકા, મીઠું, ગરમ મસાલો થોડી ઝીણી ખાંડ અને લીલા ધાણાને સમારી, ધોઈ તદ્દન કોરા કરી નાંખીને મસાલો તૈયાર કરવો.
એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, સવા વાડકી પાણી વઘારવું. એખ વાડકી ચણાનો લોટ હોય તો વાડકી પાણીનું પ્રમાણ રાખવું. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું અને વાટેલું લસણ નાંખવું. પાણી ઉકળે એટલે ઉતારી, ચણાના લોટમાં એક ચમચો ઘઉંનો લોટ ભેળવી. અંદર નાંખી, એકરસ કરી, ખૂબ ધીમા તાપ ઉપર સીજવા મુકવું. ગાંઠા પડે નહિં તેની કાળજી રાખવી. બરાબર સિજાય એટલે ઉતારી, અાડણી અથવા થાળી ઉપર ભીનો રુમાલ પાથરી, તેના ઉપર ખીરું પાથરવું. તેના ઉપર મસાલો પાથરવો. મસાલો હાથથી દાબી, એકસરખો કરવો. પછી રુમાલ સાથે વીંટો કરતા જવો અને રુમાલ ખસેડતા જવો. પછી વીંટાના ખૂણા વાળી દેવા અન ભીના રુમાલથી બરાબર દાબી દેવા. પછી છરી વડે વડી કાપી, તવા ઉપર તેલમાં તળી લેવી.