ચોખા, અડદની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવા. સવારે નિતારી, બધું કરકરું વાટવું, પછી ભેગું કરી તેમાં મીઠું,દહીં અને થોડાક સોડા નાંખી, ગરમ પાણીથી ખીરું બાંધી બાર કલાક ઢાંકીને ગરમ જગ્યાએ રાખવું. અાથો અાવે એટલે તેમાં વાટેલાં અાદું-મરચાં અને થોડા તેલને ગરમ કરી, તેમાં થોડા સોડા નાંખી હલાવવું, પાંચ બાય પાંચ ઈંચની થાળીને તેલ લગાડી તેમાં પાતળું ખીરું પાથરી, ઢોકળાંની થાળીઓ વરાળથી બાફવી. અાવી રીતે બધી થાળીઓ ઉતારી તૈયાર કરી રાખવી.
લીલા વટાણા અને ફણસીના બારીક કટકા કરી વરાળથી બાફવા. લીલા વટાણાને સાધારણ મસળી લેવા. બટાકાને બાફી, છોલી, કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં ત્રણે વસ્તુ સાંતળવી. તેમાં મીઠું, ખાંડ, લીલાં મરચાંના બારીક કટકા અને તલ નાંખી, ઉતારી લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
એક ડિશમાં ઢોકળાનું એક પડ મૂકી, તેના ઉપર લીલી ચટણીનું લેયર કરવું. તેના ઉપર બીજું ઢોકળાનું પડ મૂકી તેના ઉપર લીલવાનો મસાલો પાથવો. તેના ઉપર ઢોકળાનું ત્રીજું પડ મૂકી, તેના ઉપર દહીંના મસ્કાથી અાઈસીંગ કરવું. વચ્ચે લીલી ચટણી અને લાલ ચટણીથી છૂટાં છૂટાં ટપકાં કરી, સુશોભન કરવું. પીરસતી વખતે જ કટકા કરી, લાલ અને લીલી ચટણી અાપવી.
નોંધ – ઢોકળાં ખૂબ પાતળાં ઉતારવાં, જેથી ચાર પડ ભેગાં થતાં વધારે જાડા કટકા થાય નહિ, ઢોકળાનું પડ સાધારણ જાડું થયું હોય તો ચાર પડને બદલે ત્રણ પડનાં કરવા.