સ્પાઈસી રીબન કેક
 • 498 Views

સ્પાઈસી રીબન કેક

Ingredients - સામગ્રી

 • ૨ કપ રવો
 • ૧, ૧/૨ કપ દહીં
 • ૧ કપ નાળિયેરનું ખમણ
 • ૧ કટકો અાદું
 • નંગ – ૫ લીલા મરચાં
 • ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર
 • ૧ ટેબલસ્પૂન ખાંડ
 • નંગ-૧૫ લાલદ્રાક્ષ
 • નંગ-૧૦ કાજુ
 • ૧ નાની ઝૂડી લીલાધાણા
 • મીઠું, તેલ, ચમટી સોડા

Method - રીત

લાલ ચટણી – ૫૦ગ્રામ કોઢાનો ગલ, ૫૦ ગ્રામ ગોળ, ૧ ટીસ્પૂન લાલ મરચું, ૧ ટીસ્પૂન જીરુ, અને મીઠું નાંખી બારીક ચટણી વાટવી. વાટતી વખતે પાણી નાંખી રસાદાર (કેક ઉપર ચોપડાય તેવી) બનાવવી.

લીલી ચટણી – ૫૦ ગ્રામ શિંગદાણા, ૫૦ ગ્રામ લીલા ધાણા, ૨૫ ગ્રામ લીલું લસણ, ૭ લીલા મરચાં, કટકો અાદું, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી લીલી ચટણી બનાવવી.

રીત – રવામાં દહીં, નાળિયેરનું ખમણ, મીઠું, વાટેલાં અાદુંકચરાં, બેકિંગ પાઉડર, ખાંડ, ચપટી સોડા અને તેલનું મોણ નાંખી, સાધારણ નવશેકા પાણીથી ખીરું બાંધવું. ખીરું સારું ફીણીને ઢાંકણ ઢાંકી, ચાર-પાંચ કલાક અાથી રાખવું. સીઝન પ્રમાણે તેમાં ફેરફાર કરવો. શિયાળામાં વધારે વખત અાથી રાખવું. અાથો અાવેએટલે તેમાં દ્રાક્ષ, કાજુના કટકા અને લીલા ધાણાને સમારી, ધોઈ નિતારીને નાખવાં. નીચેથી સપાટ એક ડબ્બામાં ચારે બાજુ તેલ લગાડી તેમાં ખીરું નાંખી, ઢોકળાના સંચામાં અથવા સાદા કૂકરમાં વરાળથી બાફવું. બરાબર ફૂલીને ખીલી જાય એટલેઉતારી લેવું. ઠંડું પડે એટલે અાજુબાજુ ચપ્પુ ફેરવી, ડબ્બો થાળીમાં ઊંધો પાડવો એટલે કેક અાખી નીકળશે.

રિબનની સજાવટ – કેક ઉપર થોડો ભાગ વચ્ચે બાકી રાખી, બીજા ભાગ ઉપર છરીથી લાલ ચટણી બરાબર લગાડી દેવી. તેના ઉપર લીલી ચટણીથી રિબન જેમ ડિઝાઈન કરવી. વચ્ચેના કોરા ભાગમાં લાલ ચટણીથી ફૂલ અને લીલી ચટણીથી પાન કરવાં. પ્લાસ્ટિકની નાની થેલીમાં કાણું પાડી, તેમાં ચટણી ભરી, તેનાથી ફૂલ-પાન કરવાથી વધારે સુગમ પડશે. પછી ચટણી સુકાઈ જાય એટલે કેકના કટકા કરવા. વધેલી લીલી ચટણીમાં ૧૦૦ ગ્રામ દહીં મિક્સ કરી કેક સાથે પીરસવી.

નોંધ – અા કેકને ઓવનમાં બેક કરી શકાય પણ વરાળથી બનાવવાથી વધારે ફૂલે છે અને સરસ થાય છે.