ત્રિરંગી પુલાવ
 • 367 Views

ત્રિરંગી પુલાવ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બાસમતી ચોખા (જૂના)
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 250 ગ્રામ લાલ ટામેટાં
 • 100 ગ્રામ ગજર
 • 100 ગ્રામ ફ્લાવરના ફૂલ
 • 100 ગ્રામ બટાકા
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 3 ટીસ્પૂન ખાંડ, 1 ડુંગળી
 • 1 લીંબુ, 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, હળદર, ઘી, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર
 • વાટવાનો મસાલો – 3 લીલાં મરચાં, કટકો અાદું, અડધી ઝૂડી લીલા ધાણા નાંખી, મસાલો વાટવો

Method - રીત

ચોખામાં મીઠું અને પ્રમાણસર પાણી નાંખી છૂટો ભાત બનાવી થાળીમાં ઠંડો પાડવો. પછી તેના ત્રણ ભાગ પાડવા.

લીલા વટાણા અને ફણસીના રેશા કાઢી, સમારી, બન્ને વરાળથી બાફી લેવાં. તેમાં મીઠું, વાટેલો લીલો મસાલો, અડધા લીંબુનો રસ, 1 ચમચી ખાંડ અને એક ભાગનો ભાત નાંખી હલાવી લીલા રંગનો ભાત તૈયાર કરવો.

પાકાં ટામેટાંના કટકા કરી, બાફી સૂપના સંચાથી ગાળી રસ કાઢવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, છીણી લેવું. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, લાલ મરચાંની ભૂકી, 1 ચમચી ખાંડ અને ભાતનો બીજો ભાગ નાંખી, હલાવી, લાલ રંગનો ભાત તૈયાર કરવો.

ફ્લાવર અને બટાકાને બાફી, છોલી બારીક કટકા કરવા. તેમાં મીઠું, હળદર, નાળિયેરનું ખમણ, વાટેલું અાદું, ખાંડ, લીંબુનો રસ અને ભાતનો ત્રીજો ભાગ નાંખી હલાવી, પીળા રંગનો ભાત તૈયાર કરવો.

એક નીચેથી સપાટ વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે એલચીના દાણા, તજ-લવિંગ અને તમાલપત્રના કટકાનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બદામી રંગની થાય એટલે વાસણ નીચે ઉતારી પહેલાં વટાણાવાળો લીલો ભાત, તેના ઉપર ટામેટાં-ગાજરવાળો લાલ ભાત અને છેલ્લો ફ્લાવર-બટાકા વાળો ભાત પાથરવો. તેા ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવી, લાલ મરચું છાંટવું. પ્રિહીટેડ ઓવનમાં વાસણ મૂકવું. ભાત બરાબર સિઝાય અને છૂટો થાય એટલે કાઢી લેવો. પીરસતી વખતે એક બાજુથી અાપવો જેથી ત્રણ પડ અને ત્રણ રંગ દેખાશે.