ચણાની દાળનો કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, 2 ચમચા દહીં, થોડી ખાંડ, ચપટી સોડા અને થોડું તેલનું મોણ નાંખી, નવશેકા પાણીથી ખીરું બાંધી, ફીણી 12 કલાક અાથી રાખવું. અાથો અાવે એટલે તેમાં હળદર અને થોડાં વાટેલાં અાદું-મરચાં નાંખવા.
ચોખામાં અડદની દાળ અને ચોળાની દાળ નાંખી, કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, સોડા, તેલનું મોણ અને 2 ચમચા દહીં નાંખી, નવશેકા પાણીથી ખીરું બાંધી, 12 કલાક અાથી રાખવું. અાથો અાવે એટલે ખાંડેલું અાદું નાંખવું.
તુવેરના લીલવા અને વટાણાને વાટી, તેલમાં હિંગ નાંખી વઘારવા. પછીથી તેમાં મીઠું, ખાંડ, 3 લીલા મરચાંના કટકા, તલ અને તજ-લવિંગ-મરી-જીરુંનો ભૂકો નાંખી, ઉતારી લીલા ધાણા, લીંબુનો રસ અને કોપરાનું ખમણ નાંખી, મસાલો તૈયાર કરવો.
એક થાળીમાં તેલ ચોપડી, નીચે ચણાના લોટનું પીળું ખીરું પાથરવું. તેના ઉપર લીલવા-વટાણાનું લીલા રંગું પડ કરવું. તેના ઉપર ચોખા-અડદની દાળનું સફેદ ખીરું એમ ઉપરપાઉપરી પાથરી થાળી તૈયાર કરવી. તેને ઢોકળાં જેમ વરાળથી બાફી લેવી. ઠંડુ પડે એટલે તેના કટકા કાપવા. સફેદ, લીલા અને પીળા એમ ત્રણ રંગનાં ઢોકળાં થશે. તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવી લાલ મરચાંની ભૂકી છાંટવી. તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી ઉપર રેડી દેવો.