બટાકાને બાફી, છોલીને કપડાથી કોરા કરી, બે કલાક રહેવા દેવા, જેથી બરાબર કોરા થઈ જાય, તેમાંથી 1 બટાકો કાઢી લઈ બીજા બટાકા વાટી નાંખવા. તેમાં 50 ગ્રામ અારરુટ, મીઠું, થોડાં બારીક વાટેલાં અાદું-મરચાં, અડધા લીંબુનો રસ અને થોડોક જ લીલો રંગ (પોપટી કલર થાય તેટલો જ) નાંખીને, બરાબર મસળી, બટાકાનો માવો તૈયાર કરવો.
લીલા વટાણાને વાટી લેવા. થોડું તેલ મૂકી, તેમાં હિંગ નાખી, વટાણાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું, ખાંડ, તલ, તજ-લવિંગ-મરી-ધાણાજીરુનો ભૂકો અને એક બાફેલા બટાકાનો ભૂકો નાંખી, હલાવી, ઉતારી લેવું. તેમાં નાળિયેરનું ખમણ, અડધા લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, હલાવી મસાલો તૈયાર કરવો.
બટાકાના માવામાંથી લૂઅા કરી, અારારુટનું અટામણ લઈ લાંબી પૂરી કરી, હાથમા ંલઈ, તૈયાર કરેલો મસાલો ભરી, ભંડાનો અાકાર કરવો. તેના ઉપર ભીંડાને હોય છે તેવા ચાર પાસા પાડવા. તેના ઉપર ડીંટાનો અાકાર કરવો. પછી પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ભીંડા તળી લેવા. ઠંડા પડે એટલે તેમાં ઊભો કાપ મૂકી, લીલી ચટણી ભરવી જેથી ભરેલા ભીંડાનો ભાસ થશે.
ભીંડામાં ભરવાની ચટણી – ચણાના દાળિયા, લીલું લસણ, લીલા ધાણા, લીલાં મરચા, મીઠું અને થોડી ખાંડ નાંખી, ચટણી વાટી ભીંડામાં રવૈયા જેમ ભરવી.