પાપડીની નસ કાઢી ફોલવી. પાકટના દાણા કાઢવા. એક તપેલીમાં થોડું પાણી, ચપટી સોડા, તેલ, મીઠું અને અજમો નાંખી તેમાં પાપડી નાંખી ગેસ ઉપર મૂકવું. તાપ ધીમો રાખવો. સાધારણ બફાય એટલે ઉતારી લેવી. વધારે બાફવી નહીં.
રીંગણને ધોઈ રવૈયા જેમ કાપવા. કેળા અને બટાકાને છોલી રવૈયા જેમ અાડ-ઉભા કાપી તેમાં તૈયાર કરેલો લાલ મસાલો ભરવો. શક્કરિયાં અને કંદને છોલી કટકા કરવા. ટામેટાના કટકા કરવા. બધું લાલ મસાલામાં રગદોળવું.
એક મોટા બાઉલને તેલ લગાડી તેમાં પાપડી પાથરવી. તેના ઉપર લીલા મસાલાનું લેયર લગાડવુ તેના ઉપર રવૈયા અને શાકના કટકા ગોઠવવા. ઉપર લીલો મસાલો છાંટવો. તેના ઉપર મૂઠિયા મૂકવાં. ફરી તેના ઉપર પાપડીનું લેયર કરી, લાલ અને લીલો મસાલો પાથરવો. 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી, થોડી હિંગ નાંખી ઉપર વઘાર કરવો. પ્રિહીટેડ ઓવનમાં 3500 ફે. ઉષ્ણતામાને 15-20 મીનીટ બેક કરવું. પછી 10 મિનિટ ધીમા તાપ ઉપર રાખવું. બરાબર બફાઈને ખીલી જાય એટલે કાઢી, ઉપર થોડી ચણાની ઝીણી સેવ ભભરાવવી. કોઠાની ચટણી સાથે ગરમ પીરસવું.