વેજિટેબલ મસ્કા બિરયાની
 • 1719 Views

વેજિટેબલ મસ્કા બિરયાની

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બાસમતી ચોખા (જૂના)
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ ગાજર
 • 200 ગ્રામ બટાકા
 • 500 ગ્રામ દહીં
 • 10 કાજુ, 15 દ્રાક્ષ, 2 ડુંગળી
 • મીઠું, મરચું, ખાંડ, ઘી, તજ, લવિંગ
 • એલચી, તમાલપત્ર – પ્રમાણસર
 • સૂકો મસાલો – 4 લવિંગ, 4 કટકા તજ, 4 એલચી, 5 મરી, 4 તમાલપત્ર, 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાઠીને થોડા તેલમાં શેકી, ખાંડી, ચાળી, મસાલો બનાવવો.
 • લીલો મસાલો – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 5 લીલાં મરચાંના કટકા, 2 કટકા વાટેલું અાદું, 1 ઝૂડી સમારેલા લીલા ધાણા બધું ભેગું કરી લીલો મસાલો તૈયાર કરવો.
 • દહીંનો મસ્કો – દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. પાણી બધું નીકળી જાય એટલે કપડામાંથી કાઢી, તેમાં મીઠું, જીરુંનો ભૂકો અને ખાંડ નાંખી, વલોવી મસ્કો તૈયાર કરવો.
 • બટાકાની કાતરી – બટાકાને છોલી, છીણી લેવા. છીણને કપડા ઉપર કોરું કરવું. પછી તેલમાં તળી, ચાળણીમાં નાંખી, કોરું કરવું. તેમાં મીઠું અને મરચું નાંખવું.

Method - રીત

ચોખાને ધોઈ, થોડીવાર પાણીમાં પલાળી રાખી, છૂટો ભાત બનાવવો. તેમાં મીઠું નાંખી, હલાવી ઠંડો પાડવો.

ફણસીના રેષા કાઢી, સમારવી, ગાજરને છોલી, ધોઈ વચ્ચેનો સફેદ ભાગ કાઢી ચીરીઓ કરવી. ડુંગળીની પાતળી લાંબી, ચીરી કરી ઘીમાં બ્રાઉન કલરની તળી લેવી. વટાણા, ફણસી અને ગાજરને વરાળથી બાફી, મીઠું નાંખવું.

બિરયાનીની રચના – એક તપેલીમાં ચાર ચમચા ઘી મૂકી, તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્રનો વઘાર કરી, નીચે ઉતારી લેવું. ભાતમાં તૈયાર કરેલો સૂકો મસાલો ભેળવવો. તેમાંથી અડધા ભાગનો ભાત તપેલીમાં નાંખવો. તેના ઉપર શાકનું લેયર કરવું. તેના ઉપર લીલો મસાલો નાંખવો. તેના ઉપર ઘીમાં ફુલાવેલી દ્રાક્ષ અને થોડી તળેલી ડુંગળી નાંખી, દહીંનો મસ્કો પાથરવો. એમ ઉપરાઉપરી લેયર કરવું. દરેક લેયર ઉપર શાક, લીલો મસાલો અને દહીંનો મસ્કો પાથરવો. ઉપરનું લેયર ભાતનું રાખવું. તપેલી પર ઢાંકણ ઢાંકી, ગરમ ઓવનમાં 3500 ફે. તાપે 20 મિનિટ બેક કરવું. સિઝાઈને ખીલી જાય એટલે તપેલી કાઢી લેવીં. બટાકાની કાતરી, તળેલી ડુંગળી, ઘીમાં તળેલા કાજુના કટકા અને થોડો લીલો મસાલો છાંટી સજાવટ કરવી.