ચણાના લોટને દહીંની છાશ બનાવી, તેનાથી ખીરું બાંધી, સારું ફીણી ઢાંકીને 12 કલાક અાથી રાખવું. પછી તેમાં મીઠું અને થોડા ગરમ તેલમાં સોડા નાંખી ખીરામાં નાંખી, હલાવી, ઢોકળાં જેમ વરાળથી થાળીઓ બાફી, ઠંડી પાડવી.
વટાણા, તુવેરના લીલવા, સમારેલી ફણસી અને ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકી કરવી. બધું વરાળથી બાફી લેવું. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગ નાંખી શાક વઘારવું. તેમાં મીઠું, ખાંડ, લીલાં મરચાંના બારીક કટકા, તલ, ગરમ મસાલો નાંખી, ઉતારી તેમાં લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરીને નાંખવા.
દહીંને કપડામાં બાંધી રાખવું. બધું જ પાણી નીતરી જાય એટલે કપડામાંથી દહીંનો મસ્કો કાઢી, તેમાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખી, વલોવી મસ્કો તૈયાર કરવો.
ઠંડી પડેલી ઢોકળાંની થાળીને ચારે બાજુ ચપ્પુ ફેરવી ઊંધી પાડવી, જેથી અાખી થાળી ઢોકળાં નીકળશે. પછી તેના ઉપર ચટણી લગાડી, શાકનૂં પૂરણ પાથરવું. તેના ઉપર બીજી ઢોકળાંની થાળી મૂકવી. તેના ઉપર તૈયાર કરેલો દહીંનો મસ્કો છરીથી લગાડી દેવો. ઉપર લીલી ચટણીથી ફૂલ કરવું, જેથી દેખાવ સુંદર લાગે.