વેજિટેરિયન કેસરોલ
 • 931 Views

વેજિટેરિયન કેસરોલ

Ingredients - સામગ્રી

 • 1 કિલો બટાકા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ ગાજર
 • 3 લીલાં મરચાં
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 100 ગ્રામ લીલા ધાણા
 • 150 ગ્રામ મોનેકો બિસ્કિટનો ભૂકો અથવા
 • કોઈપણ સોલ્ટેડ બિસ્કિટ
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • મીઠું, તેલ, તજ, લવિંગ –પ્રમાણસર
 • લીલી ચટણી – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 4 લીલા મરચાં, અડધી ઝૂડી લીલા ધાણા, 25 ગ્રામ લીલું લસણ, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી, લીલી ચટણી બનાવવી.
 • ગળી ચટણી – 100 ગ્રામ ખજૂરના ઠળિયા કાઢી, તેમાં 50 ગ્રામ અંબાલી નાંખી, પાણીમાં એક કલાક પલાળી રાખવું. પછી વાટીને રસ ગાળી લેવો. તેમાં મીઠું, ધાણાજીરું, ગોળ અને લાલ મરચું નાંખી જાડી રગડ જેવી ચટણી બનાવવી.

Method - રીત

બટાકાને બાફી, છોલી, વાટી, તેમાં મીઠું નાંખી માવો બનાવવો. લીલા વટાણા તુવેરના લીલવા અને ફણસીને બારીક સમારી, બધું વરાળથી બાફી લેવું. ગાજરને છોલી વચ્ચેનો સફેદ ભાગ કાઢી છીણી નાંખવું. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગ અધચરાં ખાંડી નાંખવા. તેમાં ગાજરનું છીણ વઘારવું. બફાય એટલે તેમાં વટાણા, તુવેરના લીલવા, ફણસી, મીઠું, લીલાં મરચાંના કટકા, તલ અને ગરમ મસાલો નાંખી, કોરું થાય એટલે ઉતારી, લીલા ધાણા નાંખી વેજિટેબલ્સ તૈયાર કરવા.

કેસરોલની ગોઠવણી – કેસરોલ ડિશને તેલ લગાડી, બિસ્કિટનો ભૂકો ભભરાવી, બટાકાની કણકમાંથી રોટલો થાપી ગોઠવવો. તેના ઉપર વેજિટેબલ્સ પાથવાં. તેના ઉપર લીલી ચટણીનો થર કરવો. તેના ઉપર ફરી બટાકાનો રોટલો મૂકી, બિસ્કિટનો ભૂકો ભભરાવી વેજિટેબલ્સ પાથવાં. તેના ઉપર લીલી ચટણીનો થર કરવો. તેના ઉપર બટાકાનો રોટલો મૂકી બિસ્કિટનો ભૂકો ભભરાવી વેજિટેબલ્સ પાથવા અને ગણી ચટણી રેડવી. તેના ઉપર નાળિયેરનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. ઓવનને ગરમ કરી 350 ફે. તાપે 30 મિનિટ બેક કરવું. ખજૂરની ચટણી અને લીલી ચટણી સાથે કેસરોલના તિરકોણ કટકા કરી પીરસવા.